Activities

શ્રી સરદાર પટેલ સેવા સમાજ


આજથી લગભગ 75 વર્ષ પૂર્વે સન ૧૯૪૦ – ૪૧માં સોસાયટી એક્ટ નીચે રજિસ્ટર્ડ થયેલ “પાટીદાર સેવા સમાજ” સને ૧૯૫૦માં પબ્લિક ટ્રસ્ટ એક્ટ નીચે રજિસ્ટર્ડ થઈ.

૧૯૭૬માં નવા બંધારણ સાથે “શ્રી સરદાર પટેલ સેવા સમાજ” ના નામાભિધાન સાથે શૈક્ષણિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે તથા સભ્યોના બૃહદ પરિવારના ઉત્થાન માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી રહી છે અને જાહેર જનતાના લાભાર્થે તથા પાટીદાર સમાજના સંગઠન અને સર્જનાત્મક પ્રવૃતિઓમાં એક દીવાદાંડી સમાન રહેલ છે. સ્વાત્રંત્યોતર ભારતના શિલ્પી,  ભારતના આઝાદીના લડવૈયા, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સંસ્થાના પ્રથમ માનદ્ સભ્ય હતા, તેનું સંસ્થાને ગર્વ છે. તેમની દ્રષ્ટિએ પુરોગામી અંગ્રેજ સરકારના સ્થાપિત આઈ.સી.એસ. ની સમકક્ષ રાષ્ટ્રીય કક્ષાની આઈ.એ.એસ. કેડર તૈયાર કરવાના પ્રયત્નો રૂપે સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રી ગણેશ ભારતમાં મંડાયા.

જ્ઞાન-ગંગોત્રી-આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર

તા. ૧૫-૦૮-૧૯૮૪ના શુભદિને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ખ્યાતનામ કેળવણીકાર સ્વ. ઈશ્વરભાઈ પટેલ, કેડિલા ફાર્મા ના ચેરમેન સ્વ. રમણભાઈ પટેલ, આચાર્ય શ્રી મોહનભાઈ પટેલ – આ મહાનુભવોની ત્રિપુટીએ આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટરની પરિકલ્પનાને સાકાર કરી, એ બીજાંકુર આજે પ્રિ. શ્રી મોહનભાઈ પટેલના અવિરત અથાગ પ્રયત્નથી વટવૃક્ષ બન્યું છે અને આજદીન સુધી આશરે ૩૬૫ થી વધુ UPSC (IAS, IRS, IPS વગેરે) અધિકારીઓ તથા ૩૭૦ થી વધુ GPSC અધિકારીઓ દેશની ગુજરાતની સેવામાં અર્પણ કર્યા છે.

Foundation Course for UPSC/GPSC Exams

આપણી સંસ્થા છેલ્લા ૩૬ વર્ષથી (૧૯૮૪) થી આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. અઘતન એ.સી. લાઈબ્રેરીની સગવડ સાથે ઉચ્ચતમ Faculty દ્વારા વર્ગો ચલાવવામાં આવે છે. આ પરીક્ષાઓ માટે લધુત્તમ લાયકાત કોઈપણ શાખાના ગ્રેજ્યુએટ હોય છે.

આપણા વર્ષોના અનુભવથી એવું જણાય છે કે કૉલેજમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યા બાદ આ સનદી પરીક્ષાઓ માટે બહુજ ઓછો સમય મળે છે. આથી જે વિદ્યાર્થીઓને કોલેજના પ્રથમ વર્ષથી જ આ ત્રણ વર્ષ માટેની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે તો ઘણા સારા પરિણામ મેળવી શકાય.

સામાન્ય રીતે અઠવાડીયામાં પાંચ દિવસ લેવાતા વર્ગોને બદલે અઠવાડીયામાં એકવાર (શનિવાર | રવિવાર) ક્લાસ લઈ વિદ્યાર્થીઓને સનદી પરીક્ષાઓના વિષયોની પ્રાથમિક સમજ અને ધીરે ધીરે સંપૂર્ણ કોર્ષ (ત્રણ વર્ષમાં) કરવામાં આવે તો માનસિક રીતે વિદ્યાર્થી તૈયાર થઈ જાય છે અને સારા પરિણામ મેળવી શકાય.

સંસ્થા આ માટે સભ્યોના તથા સંલગ્ન ઘટકોના સભ્યોના બાળકો માટે આ વર્ગો શરૂ કરવાનું વિચાર્યું છે જે માટે સમાજ તરફથી ખુબજ કન્સેસનલ ફી રાખવામાં આવી છે. આ બાબતમાં વધુ વિગતો ઓફિસમાંથી મેળવી લેવી.

શ્રી મગનભાઈ ચતુરભાઈ પુસ્તકાલય

જ્ઞાન સમું પવિત્ર અન્ય કશું નથી. પુસ્તકાલય જ્ઞાનની પરબ છે. તાજેતર માં મેનેજમેન્ટે લાઈબ્રેરીનું પુનઃનિર્માણ કરી, કાયાકલ્પ કર્યો છે. સંપૂર્ણ વાતાનુકૂલિત અનન્ય લાયબ્રેરી છે. લાયબ્રેરીમાં વાઈ-ફાઈની સુવિધા આપવામાં આવે છે. ૧૬ સામયિકો, ૧૮ વર્તમાનપત્રો અને વિવિધ વિષયના ૪૫૮૪ પુસ્તકોથી લાઈબ્રેરી સજજ છે. અત્યંત સુવિધાસભર ખુરશીઓ અને ૧૨૦ વિઘાર્થીઓને અલગ રીતે Cubical Box માં સમાવતો વિશાળ વાંચન કક્ષ છે.

પરીક્ષાના અગાઉના દિવસોમાં લાઈબ્રેરી સવારથી મોડે સુધી ખુલ્લી રહે છે. આવું અઘતન, અત્યંત સુવિધાસભર, સમૃધ્ધ પુસ્તકાલય સંસ્થાના આન અને શાન છે. આ જ્ઞાન પરબમાં અનેક વિદ્યાર્થીઓની જ્ઞાન-પિપાસા તૃપ્ત થાય છે. અહીં વાંચન ઉપરાંત સમૂહ-ચર્ચા, સંવાદો, જ્ઞાનગોષ્ઠિઓ દ્વારા વિદ્યાર્થીઓ સમૃદ્ધ થતા જાય છે.

આઈ.જે.પટેલ કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યુટ

ઈ.સ. ૧૯૯૧ માં શ્રી ઈશ્વરભાઈ જે. પટેલની યાદમાં ૧ કોમ્પ્યુટર થી શરૂ થયેલું આ સેન્ટર આજે ૧૫ કોમ્પ્યુટર ધરાવતું એક ઇન્સ્ટિટ્યુટ બની ચુક્યું છે.

કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યુટ સવારના ૧૧:00 થી રાત્રે ૦૭:00 વાગ્યા સુધી કાર્યરત રહે છે. વિદ્યાર્થીઓને વધુ પ્રેકટીસ માટે પુરતો સમય આપવામાં આવે છે તેમજ આ ઇન્સ્ટિટ્યુટ માં ચાલતા કોર્ષની ફી પણ ખૂબજ નજીવી છે. આપણી સંસ્થા દ્વારા ચાલતા Regular Computer Courses માં ટૂંકા ગાળાના કોર્ષ જેવા કે Windows Fundamental dal Ms Office ચાલે છે. સમાજના વિદ્યાર્થીઓ નાણાંકીય અગવડતાના અભાવે કોમ્યુટર શિક્ષણથી વંચિત રહી ન જાય તે હેતુસર Regular Computer Courses માં કોર્ષ પૂરો થયે પ0% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. છેલ્લા વર્ષથી વરિષ્ઠ નાગરિક સભ્યો તથા ગૃહિણીઓ માટે Special Batch નું આયોજન કરવામાં આવેલ છે.

આપણા સમાજના વિઘાર્થીઓ માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્ષિતિજો ખૂલી જાય તે હેતુસર GPSC અને UPSC/IAS ના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલ CCC ની તાલીમ માટેના કોર્ષો ચલાવવા માટે ડિસેમ્બર ૨00૮ થી DOEACC (ડોએક) માન્યતા મળેલ છે.

સભ્ય પરિવારના ઉચ્ચ વિદ્યાશાખાના વિદ્યાર્થી માટે

આઈ.એ.એસ.માં ભણતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપ્યા બાદ ઉચ્ચત્તમ વિઘાશાખામાં ભણતાં આપણા પરિવારના બાળકો માટે વાતાનુકૂલિત વાંચનાલયની સગવડતા વહેલા તે પહેલાના ધોરણે આપવાની શરૂઆત કરેલ છે.

» માસની ફી: રૂ. ૧૫૦૦-00 (સભ્ય પરિવારના બાળકો માટે જ)

» પુરાવર્ષની ફીઃ રૂા.૧૨૦૦૦=00

» સભ્યોના બાળકો માટે પૂરી ફી ભર્યા બાદ જરૂરિયાતવાળા બાળકોને સ્કોલરશીપ સંસ્થાના નિયમોને આધિન આપવામાં આવશે.

ઉચ્ચ અભ્યાસઃ શૈક્ષણિક લોન

એજયુકેશન કમિટિની ભલામણોને ધ્યાનમાં લઈ વ્યવસ્થાપક મંડળે આપણા પરિવારના યુવાનો માટે ઉચ્ચ અભ્યાસ માટે નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવા સભ્યોને વગર વ્યાજની શૈક્ષણિક લોન આપવાનું નક્કી કરેલ છે.

આમ સંભ્યોને નાણાંકીય મુશ્કેલીમાં અંશતઃ મદદગાર થવાનો એક સંનિષ્ઠ પ્રયાસ શરૂ કરેલ છે, જે વર્ષો વર્ષ ચાલતો રહે અને આપણા સંતાનો ઉચ્ચ અભ્યાસથી તેમનું જીવન ઉજજવળ બનાવે એવી અભ્યર્થના.

આ શૈક્ષણિક લોન અભ્યાસક્રમ પૂરો કર્યા પછી સંસ્થાના નિયમ મુજબ માસિક હપ્તામાં ભરવાની રહે છે.

લોનના હપ્તા ભરવામાં વિલંબ થાય તો પછીના સબસીડાઈઝડ વ્યાજ સાથે ભરવાની રહેશે. લોન લેનાર સભ્ય તથા ગેરેન્ટરની CONCURRENT ગેરેન્ટીથી આ બધી લોન આપવામાં આવે છે.

ઉચ્ચ અભ્યાસ ક્રમો માટે / પેમેન્ટ શીટ માટે શૈક્ષણિક લોન સહાય

આપ સૌ જાણો છો કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા પાટીદાર સમાજના ઘણા તેજસ્વી બાળકો ઉચ્ચ શિક્ષણ અર્થે સ્પર્ધામાં અનામતને કારણે લાયક હોવા છતાં કોલેજોમાં પ્રવેશ મેળવી શક્તા નથી અને ખાનગી, સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ખર્ચાળ પ્રવેશ મેળવવા-શિક્ષણ મેળવવા મજબૂર બને છે.

સમાજમાં ઘણા તેજસ્વી બાળકો આવી મોંઘી કોલેજમાં પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. ક્યારેક આવા સંજોગોમાં વાલીઓ દેવું કરીને પોતાના સંતાનોને અભ્યાસ કરાવે છે. આવી પરિસ્થિતિમાં આપણી સંસ્થાએ સભ્યોના પાલ્યોના ઉચ્ચ અભ્યાસ અર્થે નવતર યોજના આયોજી મહદ્ અંશે મદદ કરી તેજસ્વી યુવા-યુવતીઓની કારકિર્દીના ઘડતરમાં સહાયરૂપ થવા વિચારેલ છે. જે અંગેની માહિતી આપ સંસ્થાની ઓફિસેથી મેળવી શકશો. આ સેવાકિય આયોજનમાં…

મેડીકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસક્રમ માટે રૂા. ૨,૦૦,૦૦૦/- સુધી તથા એજીનીયરીંગ અને એવા ક્ષેત્રો માટે રૂા. ૧,૦૦,૦૦૦/- સુધીની વાર્ષિક સહાય કરવાનું વિચારવામાં આવેલ છે અને તે માટે Medical Education Foundation, Engineering Education Foundation તથા General Education Foundation ના Corpus રચી તેના વ્યાજની રકમ વર્ષે સહાય પેટે (લોન રૂપે) વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક સહાય

સંસ્થાના જરૂરિયાતવાળા સભ્ય પરિવારનાં બાળકોને ધો.૧ થી કોલેજના અભ્યાસ માટે આવેલ અરજીઓને નિયમોને આધીન માન્ય. રાખી આર્થિક મદદ આપવામાં આવે છે. સંસ્થાના તરફથી બાળક દીઠ વધુમાં વધુ રૂ. ૩૦૦૦/- અથવા ચાલુ વર્ષની વાર્ષિક ફીની રકમ બેમાંથી જે ઓછી હોય તે આપવામાં આવે છે તથા પરિવાર દીઠ વધુમાં વધુ રૂા.૬૦૦૦/-ની મદદ કરવામાં આવે છે.

ભીખાભાઈ જીવાભાઈ વિદ્યાર્થી ગૃહ

ઈ.સ. ૧૯૪૦માં સખાવતી મિલ માલિક શ્રી ભીખાભાઈ જીવાભાઈ પટેલના દાનમાંથી નિર્મિત આ વિઘાર્થી ગૃષ્ઠ ૫૦ છાત્રોની ક્ષમતા ધરાવે છે જેમાં આપણા સમાજના બાળકો ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓ ખૂબજ રાહત દરે નિવાસ કરે છે. સમાજના હોસ્ટેલ કમિટિના સભ્યો, છાત્રોની પિતાતુલ્ય સંભાળ લઈને યોગ્ય માર્ગદર્શન આપી, એમના જીવન ઘડતરમાં મહદ્ ફાળો આપે છે. વત્સલ, પ્રેમાળ અને કાળજીભર્યું વલણ આપણી સંસ્થાને વિઘાર્થીઓમાં લોકપ્રિયતા આપે છે. સંસ્થાના ઉદેશ મુજબ બહારગામથી અભ્યાસ માટે અહીં ભણતા બાળકો એન્જરીયરીંગ, મેડીકલ, ફાર્મસી, MBA જેવી શાખાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપી વિદ્યાર્થી ગૃહનું વાતાવરણ અભ્યાસલક્ષી રહે તેવો અમારો પ્રયત્ન રહ્યો છે.

શૈક્ષણિક સહાય: ધો. ૧૦-૧૨ ટ્યુશન માટે

ધો-૧૦ તથા ધો-૧૨માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસમાં થતા ખર્ચમાં જરૂરિયાત વાળા સભ્યોને વર્ષ ૨૦૧૭ થી નિયમોને આધીન વધુમાં વધુ અનુક્રમે રૂા. ૨૦,૦૦૦/- (ધોરણ ૧૦) તથા રૂા. ૩૦,000 (ધોરણ ૧૨) અથવા ભરવામાં આવેલ ફી જે ઓછી હોય તે રકમ આપવામાં આવે છે. જે અન્વયે ધો-૧૦ માટે રૂા. ૭૫૦૦/- તથા ધો-૧૨ માટે રૂા.૧૦૦૦૦/- ની સહાય તથા બાકી રકમ લોન રૂપે આપવામાં આવે છે, લોનના હપ્તા સભ્યોએ બાર માસિક એડવાન્સ ચેકથી પરત કરવાના રહેશે. ધોરણ-૯માં ૭૫% થી વધુ, ધો ૧૦માં ૮૦% થી વધુ લાવનાર વિદ્યાર્થીઓ આ માટે હકદાર રહેશે.

લેપટોપ લોન

સમાજના સભ્યોના પાલ્ય BCA, MCA , એન્જનીયરીંગમાં અભ્યાસ કરતા હોય તથા અન્ય એવા કોર્ષ જયાં લેપટોપની નિયમિત જરૂર પડે તેવો અભ્યાસ કરતા હોય, તેમને લેપટોપ ખરીદવા સંસ્થાના નિયમ પ્રમાણે વધુમાં વધુ રૂા. ૩૫,૦૦૦ /- ની વગર વ્યાજની લોન ૨૪ માસિક હપ્તાના એડવાન્સ ચેક લઈ આપવામાં આવે છે.

રાહતદરે કુલસ્કેપ ચોપડા વિતરણ

સંસ્થા તરફથી દર વર્ષે માટે સભ્યોના બાળકો માટે મર્યાદિત ૩૬ નંગ ચોપડાનું વિતરણ ખૂબજ ઓછા ભાવે કરવામાં આવે છે.

અનાજ સહાય

સમાજ ના જરૂરિયાતવાળા સભ્યો ને “અન્નદાન સહાય” યોજના મુજબ અનાજ સહાય દર વર્ષે તેમના ઘરે પહોંચવાડવામાં આવે છે. સભ્યો ની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. ઉત્તરોત્તર વધતી અરજીઓ તથા મોંઘવારી ને કારણે આ ખર્ચ ખુબ ઝડપ થી વધે છે. આથી “અન્નદાન સહાય” માટે સૌ સભ્ય ને વિનંતી.

સરદાર પટેલ - સોશ્યિલ સિકયુરિટી સ્કીમ

સંસ્થાના સભ્ય પરિવારના કુટુંબીજનોની બંધુત્વની ભાવના દ્વારા-ગૌરવશાળી રીતે મદદરૂપ તેવી આ સ્કિીમનો અમલ સપ્ટેમ્બર ૧,૨૦૧૦થી ૩૦ જુન ૨૦૨૦ સુધી કુલ ૩૨૦ સભ્યો નોંધાયા છે જેમાંથી ૨૪ ડોનર સભ્યો છે. બધાજ ડોનર સભ્યોનો સંસ્થા આ ઉમદા કાર્યમાં તેમના હાર્દિક સહકાર બદલ આભાર માને છે. સંસ્થાની સભ્ય સંખ્યા જોતા ઓછામાં ઓછા ૫૦૦ સભ્ય આ સ્કીમમાં લાભ લઈ પોતાના કુટુંબને મદદગાર થાય તેવી અપેક્ષા છે.

મૃત્યુ થતાં આ યોજના હેઠળ વારસદારોને ૧૫ દિવસની અંદર જ બંધુત્વ રકમ (રૂા. ૫૦,૦૦૦/-) પહોંચાડવામાં આવે છે.

સંસ્થાના મેમ્બર અને પરિવાર કે જેની ઉંમર ૨૫ થી ૬૫ વર્ષની હોય તેઓ આ યોજનામાં જોડાઈ શકે છે.

• આપે એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ ભરવાનું રહેશે.

• એપ્લિકેશન ફોર્મ પરત કરતા પહેલાં તે ચકાસી લેવું.

• અધુરૂ ફોર્મ રદ કરવામાં આવશે,

• તંદુરસ્ત સ્વાસ્થ તથા Terminal illness  આપે સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરવાનું રહે છે.

• જો આપે ૬૪ વર્ષ પૂર્ણ કરેલ હોય તો, ૬૫ વર્ષ પૂર્ણ કરતાં પૂર્વે ૩ માસ પહેલાં સંપૂર્ણ ફોર્મ પહોંચાડવાનું રહેશે.

અત્યાર સુધી ના પ્રમુખ / મંત્રી ની યાદી